patolun marun pachrangi - Geet | RekhtaGujarati

પટોળું મારું પચરંગી

patolun marun pachrangi

જયમનગૌરી પાઠકજી જયમનગૌરી પાઠકજી
પટોળું મારું પચરંગી
જયમનગૌરી પાઠકજી

જેવો નવલી વસંતને ઢંગ પટોળું મારું પચરંગી,

તેવો જોબનનો ઝાઝો ઉમંગ પટોળું મારું પચરંગી.

લીધો આભેથી આકાશી રંગ પટોળું મારું પચરંગી,

જાણે સીતા ને રામજીનો સંગ પટોળું મારું પચરંગી.

બીજો ચંપા શો ચંપેરી રંગ પટોળું મારું પચરંગી,

જાણે બેનીનું પીઠી ભર્યું અંગ પટોળું મારું પચરંગી.

પેલી કોકીલાનો કાળુડો રંગ પટોળું મારું પચરંગી,

કાળી કીકીના કોડનો અંત પટોળું મારું પચરંગી.

ગમે સંધ્યા-ઉષાનું રાતું અંગ પટોળું મારું પચરંગી,

જાણે કુમકુમનો લાલચટક રંગ પટોળું મારું પચરંગી.

સોહે વનની ઘટાનો લીલો રંગ પટોળું મારું પચરંગી,

લીલે સંસારે નવલો ઉમંગ પટોળું મારું પચરંગી.

જેવો નવલી વસંતનો ઢંગ પટોળું મારું પચરંગી,

તેવો જોબનનો ઝાઝો ઉમંગ પટોળું મારું પચરંગી.

સ્રોત

  • પુસ્તક : સોણલાં (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સર્જક : જયમનગૌરી પાઠકજી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1957