simanun khanun - Geet | RekhtaGujarati

સીમનું ખાણું

simanun khanun

ગોવિંદભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ
સીમનું ખાણું
ગોવિંદભાઈ પટેલ

ગોરી, સીમનું મારું ખાણું,

શેઢલે બેસી માણવું તારા હેતનું મોંઘું ભાણું.

હળવે હળવે ભાયગ જેવો

દન ચઢે બે વાંસ

હૃદયાની ભોંય મહીંયે

ઓરતા પાડે ચાસ;

નેન નેહાળે હળપુણી, પણ ચિત્ત તો ખોડીબારું.

કેસૂડલાના ફૂલ શો તારો

છેડલો દૂર દેખાય,

ડચકારોયે મુખડે આવી

પલળી પોચો થાય,

ભીલડી પાસે શિવજી, તેવો જીવ મારો જાણું.

પોટલી છોડે હેતની જાણે,

છોડતી ભાથું એમ,

દીસતા કેવા રોટલા બે, તે

કહી શકું હું કેમ?

રોટલા સાથે માણું તે તો આયખું, નહીં અથાણું.

ગોરી! સીમનું મારું ખાણું.

સ્રોત

  • પુસ્તક : પિપાસા (પૃષ્ઠ ક્રમાંક 154)
  • સર્જક : ગોવિન્દભાઈ પટેલ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1962