સીમાડો સાવ લીલો
Simado Saav Leelo
રમેશ પારેખ
Ramesh Parekh
રમેશ પારેખ
Ramesh Parekh
બપૈયા મોર સૂડા કાબર લેલાં-તેતર-મેનાની ચ્હેકને લીલુંકાચ ચોમાસું વેળનું ચડ્યું ઝેર
હંઅઅ, વ્હાલમ હાલ્ય સીમાડો સાવ લીલો નાઘેર.
પાદરે ઊભા પરદાદાના પાળિયે મૂકી ઘરની તે મરજાદ ભીડીને આંકડા જાશું
ચાતરી ચીલા ખૂંદશું ખેતર મોકળે મેદાન મન ફાવે તેમ મન વેરીને લાવણી ગાશું
મારગે હેલી વરસ્યે લેશું એકબીજાંની સોડ્ય ને ભેળાં પલળી જાશું ફેર
હંઅઅ, વ્હાલમ હાલ્ય સીમાડો સાવ લીલો નાઘેર.
એય ને, વ્હાલમ ઠેસ ચડે ના લીલવછોયું પાન આઘેરાં નદીયુંનાળાં ઠેકતાં જાશું
ખાઈ ફંગોળી ડુંગરેડુંગર ખાઈમાં ખેતર ગામ કે પાદર જમણેડાબે ફેંકતા જાશું
વાયરે ગળાબૂડ સેલારા મારતાં જાશું સોંસરે પારે સરકે જેવી સેર
હંઅઅ, વ્હાલમ હાલ્ય સીમાડો સાવ લીલો નાઘેર.
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ, 1968 (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
