siitaa - Geet | RekhtaGujarati

વાંક વગર તરછોડી -

કાંઠા લગ પ્હોંચે તે પ્હેલાં તળિયે બેઠી હોડી

રઘુવર! વાંક વગર તરછોડી...

લંકાવાસ વસમો લાગ્યો, કે ના અગન પરીક્ષા!

વસમું લાગે ધોબી બોલે, અમને આવી શિક્ષા!

રાજધરમ દૃષ્ટાંત સ્થાપવા મને ધનુષ સમ તોડી!

રઘુવર! વાંક વગર તરછોડી...

વદન જોયાં, વેણ વીણ્યાં, ના વળગીને રોયાં!

હરખહરખમાં રથમાં બેઠાં, દખનાં જંગલ જોયાં!

જીવન ઝળહળ રતન હતું તે થયું ફૂટલી કોડી!

રઘુવર! વાંક વગર તરછોડી...

કાંઠા લગ પ્હોંચે તે પ્હેલાં તળિયે બેઠી હોડી!

રઘુવર! વાંક વગર તરછોડી...

સ્રોત

  • પુસ્તક : જાળિયે અજવાળિયું (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : વિજય રાજ્યગુરુ
  • પ્રકાશક : રવિ- મંગલ પ્રકાશન, ભાવનગર
  • વર્ષ : 2018