shyaam shamne malyaa ke - Geet | RekhtaGujarati

શ્યામ શમણે મળ્યા કે

shyaam shamne malyaa ke

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
શ્યામ શમણે મળ્યા કે
હરીન્દ્ર દવે

મરમીનું મોહભર્યું સ્મિત

આછકલે વેણ દાણ માગતા રે,

મેં તો ખણી જોયા ગોરા ગોરા ગાલ

શ્યામ શમણે મળ્યા કે મળ્યા જાગતા રે.

મને અધરસ્તે રોકે કોની વાંસળીનો નાદ?

કોણ રહી રહીને આપે કુંજગલીઓની યાદ?

કોની આંખડીનાં નેહભર્યાં તીર

મને આડાં ને અવળાં અંગ લાગતાં રે?

મેં તો ખણી જોયા ગોરા ગોરા ગાલ

શ્યામ શમણે મળ્યા કે મળ્યા જાગતા રે.

કોણ મૂલવીને કરતું ગોરસ અમૂલ?

કોની સંગાથે હૈયું જાણે ફોરમતું ફૂલ?

એને દીઠા કે નીતરતું વ્હાલ

મારા મનના મંજીરા તાલે વાગતા રે,

મેં તો ખણી જોયા ગોરા ગોરા ગાલ

શ્યામ શમણે મળ્યા કે મળ્યા જાગતા રે.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ