વૃષ્ટિ પછી કુદરતનું સૌંદર્ય
vrushti pachhi kudratnu saundarya


જો! જો! જો! આ ત્રુટી પડ્યો શો મેઘ જોરથી,
નભકટિપરથી પ્રસારિ લાંબા ધારા-કરને,
ધરતીને ઝટ બાઝી પડવા!
અહો પવન પણ
વચમાં આવી સુ સુ સુ સુ કરતો ઝટ્ટ ઝાપટી
ગભરાવી લઈ લેઈ બાથમાં ધારાપટને
શો આ દો’ડે હા હા હા હા કરિને હસતો
ઊચ્ચ સ્વરથી! અરે, મુકી આ પાછો દેઈ
તેને ચાલ્યો અવર દિશામાં માતરિશ્વ, ને
મન્દ ઝાપટૂં પડી ગયૂં, તે રુમઝુમ રુમઝુમ
રુમઝુમ કરતૂં, થાકિ હાંફતૂં હળવે હળવે
પાછૂં પડિ એ જાય ભૂમિભણિ.
જિવતો રહેજે
જિવતો રહેજે અગણિત વર્ષા વિષે તું રસધર!
સ્નેહગર્ભ તૂં: ત્હારી પેઠે, જો ને, આજે
ભુવન સર્વ છે; અમી દૃષ્ટિ તે ઉપર કરી તૂં
રાચ! રાચ રતિ સજિ રે!
વિશ્વમાં રતિ ઘણી હજિ રે!
પડી રહ્યો એ મેઘ એટલે શાં ખેચરનાં
ટોળેટોળાં સ્વતંત્ર થાતાં સ્વ-સુખ કેરા
અંક વિષે ફરિ કલોલથી કોલાહલ કરતાં
આવે પાછાં! હર્ષપ્રમત્ત બનીને આવે,
એકબિજાને અંટીવાળે, ઉડે ઉપર ને
નીચે પાછાં! ચક્રગતિ કરિ રાસ રમી, ગિત
ગાઇ મનોહર, આણિ મુક્યૂં વૃન્દાવન આજે
વિષ્ણુપદમાં શૂં આ પાછૂં!
અહો, પ્હણે પણ
જો ને અધિક જ કૌતુકકષિ થાય શું પેલૂં?
સ્નેહ વિષ્ણુરૂપ–કૃષ્ણમુકુટ–શિખિકલાપ કેરી
કમાન સુન્દર! આછી આછી દિવસદીપ સમ
પ્રથમ ભાસતી
વધ્યો જ પ્રકાશ! વધ્યા વળિ રંગ!
વિલાસિ બન્યા રતિમૂઢ કરાકર સૂર્ય તણા
જલદોદરમાં પ્રસરી નવ રૂપ ગ્રહે અતિસુન્દર:
નામ કહે જગ ‘અમ્બુદચાપ’, મ્હને પણ લાગતિ
સ્નેહકમાન વિંટી સઉ ભૂમિ અને નભને
લઇ લેતિ સ્વગોળવિશે જયિની.
મન, જો! મન, જો!
રતિ રંગ કરે ઇતરેતર શૂં બહુ આજ સહૂ :
નિલ, લાલ, પિળો, વળિ ચાર બિજા, રમિ એકબિજા
તણિ સાથ રહ્યા; કર–અશ્વ ઉપર રવિ બેસિ ફરે
મુખ સપ્ત ધરે હય, તે જ! તું તે મન, જો મન, જો!
ફરિ જો! ફરિ જો!
પણ એ ભળિ ગૈ નિજ મૂલ વિષે
રતિ ગાઢ ધરી :–પ્રભુસ્નેહતણી અકળીત લિલા
મન તેં પરખી, નિરખી પરખી
લિધ! લીધ રતિ સજિ રે!
વિશ્વમાં રતિ ઘણી હજિ રે!



સ્રોત
- પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931