shrawan nitaryo - Geet | RekhtaGujarati

શ્રાવણ નીતર્યો

shrawan nitaryo

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
શ્રાવણ નીતર્યો
બાલમુકુન્દ દવે

શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલોજી

પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલોજી.

કપૂરકાયા સરી જશે કોઈ ઝીલોજી

પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલોજી.

જલધરામાં ઝૂલતી કોઈ ઝીલોજી

પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલોજી.

લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલોજી

પેલું કોણ હશે મરમાળ? હો કોઈ ઝીલોજી.

નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલોજી

વરસે અમરતમેહ હો કોઈ ઝીલોજી.

શમણાં કેરા કરા પડે કોઈ ઝીલોજી

નરદમ વરસે નેહ હો કોઈ ઝીલોજી.

ચળકે વાદળતલાવડી કોઈ ઝીલોજી

એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલોજી.

દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલોજી

રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલોજી.

દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલોજી

પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલોજી.

જતીસતીનાં તપ રેલે કોઈ ઝીલોજી

પેલા શિવલોચન અંબાર હો કોઈ ઝીલોજી.

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2