shopharni diwali - Geet | RekhtaGujarati

શોફરની દિવાળી

shopharni diwali

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
શોફરની દિવાળી
ઝવેરચંદ મેઘાણી

(ચારણી ડિંગળ ઢાળ)

નગરની રોશની નીરખવા નીકળ્યાં

શેઠ શેઠાણી ને સાત છૈયાં;

ચકચકિત મોટરે દીપકો અવનવા

હાર ગલફૂલ સજ્યા : થૈ થૈયાં!

થૈ થૈ ડોલતી ચાલમાં ચાલતી

ગાડીને જોઈ જન કૈંક મોહે;

આગલી પાછલી ગાડીના ગર્વને

મોડતી હાથણી જેવી સોહે.

આપણા રાવ શોફર તણી હાંકણી

ભલભલી મૂછના વળ ઉતારે;

વાંક ને ઘોંકમાં શી સિફત ખેલતો

ફાંકડો રાવ નટવી નચાડે!

શેઠના પેટમાં લેશ પાણી હલે,

છાતી શેઠાણીની લેશ થડકે,

(તો) ફાંકડા રાવના હાથ લાજે-અને

રાવને હૃદય બદનામ ખટકે!

'રાવ, મોટર જરી બગલમાં દાબ તો!'

શેઠનાં નયન સૌંદર્ય શોધે;

'રાવ, સરકાવ ગાડી જરી પાછળે'

શેઠ-પત્ની ઢળે રૂપ જુદે.

ચાર દા’ડા તણી ચમકતી પર્વણી :

ચિત્રપટ, નાટકો ને તમાશા :

'સાલ નવ મુબારક' કાજ જ્યાં ત્યાં બધે

ઘૂમિયાં પલટી પોશાક ખાસા.

થાક આનંદનો લાગિયો, શેઠિયાં

બીજનો દિન ચડ્યો તોય સૂએ :

રાવ મોટર તળે જાય ઓજાર લૈ :

પોઢવા?-નૈ જી, પેટ્રોલ ચૂવે!

'શું થયું રાવ! ગાડી બગાડી નવી!

આમ બેધ્યાન ક્યાં થઈ ગયો’તો?’

'દીપમાલાની સ્વારી વિષે, શેઠજી!

એક દીવો તહીં ગૂલ થયો'તો.’

‘ક્યાં?’ -‘તહીં એક અંધારગલ્લી તણી

ચાલની આખરી ઓરડીમાં,

નાર મારી અને બાળ બે ગોબરાં

ચાર રાત્રી સુધી વાટ જોતાં;

બારીએ લાલટિન લટકતું રાખજે,

આવી પ્હોંચીશ આજે હું વે’લો :

બાયડીને ભલામણ કરી એટલી

ઘેરથી પ્રોઢિયે નીકળેલો.

વાટ જોતાં મળી આંખ એની હશે,

તેલ ખૂટ્યું હશે -હુંય ઘેલો

દીપમાલા ત્યજી ત્યાં નિહાળી રહ્યો,

પીઠથી ગાડીએ દીધ ઠેલો;

પાંસળાંમાં ખૂતી સોટી સાર્જન્ટની

હેબતે હું ઘડી ભાન ભૂલ્યો.

રાતના બે બજે ફૂલવેણી સજી

નાર બેઠેલ - હું કૈં બોલ્યો.

સોણલે ટૅન્ક તૂટેલ દેખ્યા કરી,

આકરી રાત વિતાવી આવ્યો,

દિન ઊગ્યે દુરસ્તી દીધી આદરી,

પોરિયાના શપથ, બાબુજી હો!’

‘હા અલ્યા રાવ! અફસોસ, હું યે ભુલ્યો,

તાહરે પણ હતી કે દિવાળી?

શી ખબર, તુંય પરદેશમાં માણતો

નાર-બચ્ચાની સોબત સુંવાળી!’

એમ કહી શેઠિયે આઠઆની દીધી

ને દીધી શીખ અણમૂલ આખી :

‘ગાંડિયા! આંહીં તો એકલા કામીએં

બધી લપ્પને વતન રાખી.’

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 136)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997