Shodhu - Geet | RekhtaGujarati

શોધું સાંજસવાર,

પારે પાર,

મારા સૂરોનો અસવાર જી,

મારા સૂર તણો સરદાર જી.

રંગમહલમાં દીપ જલાવ્યા મેં બાંધ્યા હીંડોળાખાટ જી,

સજ્જ મારા સહુ તાર સતારના, વાદકની રહી વાટ જી.

મારા સૂરોનો સરદાર જી. શોધું...

કુંજનિકુંજે ફૂલ ખીલ્યાં, ખીલ્યાં જલકમલ કાસાર જી,

આજ વસંત કેરી વાત જાગી, મારું ઉર માગે ઉદ્ગાર જી.

મારા સૂરોનો સરદાર જી. શોધું...

મનપવનની પાવડી પહેરું, આંખમાં આંજું જ્યોત જી,

નીલ ગગનની ગોદ ગોતે મારો પ્રાણનો પ્રેમ-કપોત જી.

મારા સૂરોનો સરદાર જી. શોધું...

આભ ઓળંગુંને ભોમ ભેદું, માંડું ગુરુ ચરણનમાં ચિત્ત જી,

કંઠ મારે એણે કંઠ ભર્યો નિજ, પ્રીતમાં પૂરી પ્રીત જી.

મારા સૂરોનો સરદાર જી. શોધું...

સ્રોત

  • પુસ્તક : સુન્દરમ્-સુધા (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.- અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2004