shiikh - Geet | RekhtaGujarati

આંબાની છાંયામાં તું બપ્પોરા ગાળજે ને પાણી પીજે વાવડીનાં;

લૂમાં આઘો તું થાજે વેરાનમાં કસંમ દઉં ગૌર ગાવડીના...

પાવે લ્હેરાય તારો પોરાનો પ્હોર કોઈ ટહુકો ત્યાં ડાળથી દેશે;

એનાં એંધાણ ના અલાય કોણ આવે ત્યાં કાયના કેવાય તે વેષે :

ગોળ તો ઘણેરો ગળ્યો હોય પણ ઊં...હું... શેણે રે સ્વાદ રાબડીના?...

નવરાં નોધણીઆંની એલફેલ ગોઠડીમાં વાડી મેલજે રેઢી;

ગામનો કૂવો ન, મને ગમતી ખેતરવાની નીતર્યાં નવાણની શેઢી;

આવું તો આવું, જરી અંબોડે ફૂલ બે રોપું રૂપેરી દાવરીનાં...

મનમાં જે હોય તે બધુંય ના બોલાય હોઠ મૂંગા આંખના ઇશારે;

દનિયાના ડોળનાર ઘેલાંથીયે ઘર મેલ્યું ના જાય કૈં વિસારે.

કાળજાને કંપ આખો ભવ ઓવારીએ રે બીજી કૈં વાત આવડી ના...

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 82)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ