શરદનું સોણલું
sharadnun soNlun
મૂળજીભાઈ પી. શાહ
Mooljibhai P. Shah

શરદનું સોણલું રે, કે રંગભર હૈયે રમે;
એવું અલબેલડું રે, કે નેણભરી જોવું ગમે.
નિંદરને ફલકે રે, કે દિલભર દ્રશ્યો દીઠાં;
મુખડું શું મલકે રે, કે પ્રેમ-પાન લાગે મીઠાં.
જીવનને હીંચકે રે, કે હેતભરી હીંચ્યા કર્યું;
અંતરની આશાને રે, કે વારી અમે સીંચ્યા કર્યું.
શરદની ચાંદની રે, કે રૂમઝુમ રમતી રંગે;
ચેતનની ચાંદની રે, કે નીતરે મ્હારે અંગે.
વ્હાલમ વરણાગિયો રે, કે વ્હાલની વેણુ છેડે;
અંતરમાં કોડીલો રે, કે ભાવના કેવી રેડે.
જોબનના ઘેનમાં રે, કે રેનના રંગો શમે;
આશા! અલબેલ ક્યાં રે? કે દિલમાં શાની દમે?



સ્રોત
- પુસ્તક : રાસકૌમુદી (પૃષ્ઠ ક્રમાંક 64)
- સર્જક : મૂળજીભાઈ પીતામ્બર શાહ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1938