shant swasth kesari vikral veer keshari - Geet | RekhtaGujarati

શાંત સ્વસ્થ કેસરી વિકરાલ વીર કેસરી

shant swasth kesari vikral veer keshari

હરિલાલ હ. ધ્રુવ હરિલાલ હ. ધ્રુવ
શાંત સ્વસ્થ કેસરી વિકરાલ વીર કેસરી
હરિલાલ હ. ધ્રુવ

લાંબા પ્હોળા પ્રસારી કર, અરધ મિચી આંખ, માથૂં વચાળે,

ફેલાતી કેશવાળી, ચળકતિ શિ ઝલે દેહ દેદીપ્યમાને

સંકોચે લે છુટે કૈં નિકટ નિજ વશા, બાલ સ્વચ્છંદ ખેલે,

મુદ્રા શૃંગાર—વાત્સલ્ય—અતુલ બલની કેસરી! કોણ હેલે?

ભેદે કુંભસ્થલો જે મદકલ ગજનાં વજ્રશક્તી શમી છે;

આપે ગર્ભો ગળે રે વિકલ મૃગલિના, ગર્જના જો ખમી છે;

જ્વાળા ના તે જણાયે ધખતી અસહના, તપ્ત અંગાર ઝરતી,

પંઝા કંઠે દૃગે શ્રી હવનવિભુતિમાં સુપ્ત શી સૌમ્ય સ્ફુરતો!

અગ્ની ચોમેર વર્ષે, ગિરિ પણ ડરતો વૃક્ષગુલ્માદિ છાય

આપે આપે અમાપે! ઝરણ જલકણે લીન શી લ્હેર વાય!

ના કોઈ દ્વારપાળો, સમિપ અનુચરો, રાજમર્યાદ તો યે:

બ્હી બ્હી વાયુ વહે ત્યાં ઇતર રવ કહીં! શાંતિસામ્રાજ્ય સોહે.

ભીતિ ને ત્રાસ સ્થાને મિઠડિ મિટડિએ પ્રીતિએ વાસ પૂર્યો;

સંતાપોત્તાપબાધા કરુણ અવધિમાં દૂરનાં દૂર રે રહો!

નિર્ભ્રાન્તે ને સ્વછંદે પરસપર વળી પ્રાંતસીમા બચાવી,

ખેલો આનંદિ વૃંદો હરિણ ગજકુલો, મોજમાં ભાવિ ભાવી.

ઝીણાં સલૂણાં તમ તમ તમરાં સાદથી લ્હેર લાવે,

ઘૂંટે ઘૂંટે ટુહૂકી છુપિઅછુપિ ઝરે કોકિલા કેલિભાવે;

ધૂ ધૂ હોલ્લો ઉલ્હાસે, કઈં કઈં ચકવીશોર, ના ઘોર ભાસે;

કુંજે ગુંજી ગુફાએ, નદજલવમળે, નાદ ઘૂમે વિલાસે.

ઘુઘ્ઘુ ઘૂ ઘૂ ઘુઘુવતી ગહન ગિરિ ગુફા કાનને ગાજિ ઊઠે

પ્હાડો ત્રાડ તોડી ગગન ઘુમિ જતી, -આભના ગાભ છૂટે!

ઊભી છે પિંગલાશી ચટપટિત સટા, પુચ્છ શૂં વીજ વીંઝે!

સ્વારી કેસરીની ત્રિભુવનજયિની! ચંડિકા એથિ રીઝે!

તે શૂં નાદ કેરો અવિરત ઝરતો ધોધ આફાટ ફૂટ્યો!

કે શૂં ગર્જનાનો ત્રિભુવન દળતો ગેબી ગોળો વછૂટ્યો!

વહ્નિ વર્ષે શું કરશે નયન પ્રજળતાં! વજ્રા પંઝે અગંજે

હા હા શૂં રંજ! અંજે હૃદય! ભડકતા શૂરના ચૂર ભંજે!

ઝંઝાવાતે ઘુમાવી અતલ વિતલ સૌ એક આકાશ કીધૂં!

ઊલ્કાપાતે ધુમાવી તિમિર મિહિર સૌ ઘેરિએ ઘોળિ પીધૂં!

શસ્ત્રાઘાતે ચલાવ્યૂં શર-વહનિ-ઝરે લોહિનું સ્રોત સીધૂં!

ડોલ્યૂં સિંહાસને રે નૃપમુકુટ પડ્યો! ક્રાન્તિએ રાજ્ય લીધૂં!

કો કો કોની સહાયે? સહુ ભયવનમાં ભ્રાન્તિમાં ભીરુ ભૂલ્યાં!

સંરક્ષે કોણ પક્ષે? મરણશરણમાં લક્ષલક્ષે ડૂલ્યાં!

તેં તેં તેં કેસરી તેં તડુકિ તલપિ તેં છિદ્ર છિદ્રે વિંધાવી!

સંકોડી અંગ અન્તે રુધિર ઝરણમાં ભીષ્માવૃત્તી સુહાવી!

વીરશ્રી ધન્ય ભક્તિ! ધન્ય પ્રૌઢ પરાક્રમ!

અખંડોદંડ સામ્રાજ્ય કેસરી વનવિભ્રમ!

રસપ્રદ તથ્યો

[સંપાદકીય નોંધ : “વિકરાલ વીર કેસરી” વિષે કવિએ જણાવ્યું છે કે ૧૬માં લુઇના સ્વિસ ગાર્ડસની પલટણોએ ફ્રેંચ વ્યુત્ક્રાન્તિ (French Revolution) સમયે રાજભકિતમાં આત્મબલિદાન દીધું, તેના સ્મારક લેખે લ્યૂસર્નમાં સિંહપ્રતિમા સ્થાપેલી છે, તે જોતાં ઉપજેલી વિચારમાલા આ કવિતારૂપે રચાઈ. મતલબ કે આ અન્યોકિત કાવ્ય છે, તો “શાંત સ્વસ્થ કેસરી” એ કાવ્યને એની સાથે વાંચતાં એને પણ અન્યોકિત કાવ્યના વર્ગનું ગણી શકાય એમ છે. અને અન્યોક્તિ કાવ્ય અમુક દર્શન બનાવ કે વ્યકિત ઉપરથી ભલે સ્ફુર્યુ હોય; કવિની વાણી કેટલીક વાર તેણે લક્ષેલા વ્યંગયાર્થ કરતાં વધારે વિશાલ અર્થને પણ સ્પર્શે છે. અહીં સિંહના ગર્ભિત ઉપમાન કે લક્ષ્ય લેખે સ્વિસ ગાર્ડસની સેનાને ઠેકાણે કોઈ મહાપ્રજાને પણ લઈ શકાય. આમ લેતાં કવિતાનું અર્થગૌરવ વધે છે, અને બંને કૃતિ અન્યોન્ય સંકળાઈ જાય છે, બીજી લખતાં પ્હેલી કર્તાને સાંભરતી હતી એ તે દેખીતું છે.]

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931