શંખનાદ સંભળાયે ભૈયા
shankhnad sambhalaye bhaiya
નર્મદ
Narmad
નર્મદ
Narmad
શંખનાદ સંભળાયે ભૈયા, શૂર પુરુષને તેડું હો,
શું એ કહે, સાધુ દેહ છોડે? શું એ કહે, દેવ જાગે હો?
કારી કારમો ઉગ્ર ઊછળતો, રણનો મુજને લાગે હો. શંખ...
એ બોલે – શું બેસી રહ્યા છો? શત્રુએ કોટ પડ્યો હો,
દેશભૂમિ કરી લોહીલોહિયાળી, પુત્ર તણો ઘાણ કાઢ્યો હો. શંખ...
રક્ષણ કરવા ધાઈ વળો સહુ, હજી રહી છે આશા હો,
સ્નેહ, શૌર્ય ને જુદ્ધકળાથી પડશે સવળા પાસા હો. શંખ...
રણમાં મૂઆ તોયે રૂડું, દાસપણાથી છૂટશું હો,
ગત પ્રાણીને બંધનનું નથી ભય કો રીતનું કશું હો. શંખ...
દેશજનની સ્વતંત્રતાને અર્થે વીર ઝૂઝી મરશો હો,
રાહદારી કહે, પ્રભુ સંધાની જયસુખ આશા પૂરશે હો. શંખ...
હા ભૈયા, હું તો આ ચાલ્યો, શંખનાદ હજુ થાયે હો,
નર્મદ કહે, બીજા વીરો પણ કેસરિયાં કરી જાયે હો. શંખ...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 60)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
