ફરી ફરી દેવ દેજો
Fari fari Dev Dejo
રમેશ જાની
Ramesh Jani

આ રે ધરતી ને આ રે આભની સંગાથે
મારે પેલા તે ભવ કેરી પ્રીત :
રૂડાં સમદર એના, રૂડાં નદીઓનવાણ,
રૂડી એના માનવીની રીત.
ઉરને તે ફાગે ફૂલ્યાં ફૂલડાંની રમણાને
પીંખી નાખે વિધિ કેરી કારમી તે શીત :
નેહભીનાં નેણે ફરી જાગતા કો શમણાંને
નીરખીને રોમરોમ નાચી ઊઠે ગીત.
રાગ ને વિરાગ કેરા સોમ ને સૂરજ ઊગે,
તારલાની ભાત અગણિત :
દિનનાં અજવાળાં, ઘેરાં રાતનાં અંધારાં
મારા મનખાનાં મોંઘેરાં રે ચીત.
વખડાં ઘોળી ઘોળીને અમરત કીધાં
એવા રૂદિયાની જાણી પરતીત :
કાય કેરી વેલડીને અગને ઓવારી નાખે
એવી દીઠી આતમની જીત.
ફરી ફરી દેવ દેજો એનાં રે વરદાન,
મારે ધરતી ને આભ સાથે
પેલા તે ભવ કેરી પ્રીત :
દોહ્યલાં ને સોહ્યલાં રે તોય ભોળાં માનવીની
અંતરે અંકાઈ ગઈ રીત.
આ રે ધરતી ને આ રે આભની સંગાથે
મારે પેલા તે ભવ કેરી પ્રીત.



સ્રોત
- પુસ્તક : કાવ્યપ્રયાગ (પૃષ્ઠ ક્રમાંક 101)
- સંપાદક : વેણીભાઈ પુરોહિત
- પ્રકાશક : સુમન પ્રકાશન, મુંબઈ
- વર્ષ : 1978