puchhashe aakhi sim - Geet | RekhtaGujarati

પૂછશે આખી સીમ

puchhashe aakhi sim

ઉષા ઉપાધ્યાય ઉષા ઉપાધ્યાય
પૂછશે આખી સીમ
ઉષા ઉપાધ્યાય

એક દિ' તારે ખેતર શેઢે આવી ચડીને, પૂછશે આખી સીમ

કે અલ્યા, વનથી વેડ્યા ટહુકા સાથે કાંકરીચાળો કેમ કીધો'તો?

ખેતર વચ્ચે ઘઉંની કુંવળ ઊડતી આવી હળવે રહી પૂછશે તને

નભથી ખર્યાં તારલાને તું ફળિયે સૂતાં ગણતો'તો કેમ ભૂલ્યો'તો?

રજકાનાં ફૂલ ક્યારડે ઊભાં લબૂક-ઝબૂક ઝબકી તને પૂછશે

અલ્યા, વડવાયુંના હીંચકા છોડી શ્હેરને મારગ કેમ પૂગ્યો'તો?

આભથી ઊતરી શેરીઓ સોંપટ છમછમાછમ વહેતી નદી પૂછશે

અલ્યા, રમવું છોડી સાવ કોરો તું ચાર દિવાલે કેમ સૂતો'તો?

બાપના જેવું આભ ઝળુંબે તારલા મઢ્યું રોજ માથે ને સાથમાં વહે

ધોયલા માના સાડલા જેવી લ્હેરખી તોયે શ્હેરમાં જઈ કેમ વસ્યો'તો?

સ્રોત

  • પુસ્તક : તેજનો તરાપો લઈને (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ફ્લેમિંગો પબ્લિકેશન્સ, અમદાવાદ
  • વર્ષ : 2025
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ