kyank jatan rani - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્યાંક જતાં રંઈ

kyank jatan rani

મકરંદ દવે મકરંદ દવે
ક્યાંક જતાં રંઈ
મકરંદ દવે

હાલ્યને વાલમ, ક્યાંક જતાં રંઈ

ક્યાંક જતાં રંઈ ખુલ્લે મારગ.

આંઈ તો અડાબીડ મકાનું ગલીએ ગલીએ પાંસળી ભાંગે,

ગાડીયું દોડી જાય કે જાણે ભૂખ્યા દીપડા, વાઘ છલાંગે,

જંદગી ન્યાં તો આપણી વ્હેતી જાય આફૂડી સાવ સુવાંગે,

મોટા શે’રની મોહની તે શી?

ફેલથી આવા થઈ જા ફારગ.

આભથી તારા રમતા આવે મોગરા જેવી સેજ વચાળે,

સીમ તો સામી સાદ પાડે કે, આવ દોડી આવ હરણફાળે,

ભીની રેતમાં નાનકી નદી આપણાં ભેળાં પગલાં ભાળે

હડકાયાં હાડ ભાળીને

હું તો આવી ગઈ ગળા લગ.

મારા સામું જોઈ કહી દે, જોઈશ મા તું જમણે-ડાબે,

નોરતાં આવતાં સાંભળી લે તું, આંઈ નહીં રહું કોઈ હિસાબે,

પેટિયું આપણું ભરશું વાલમ, રોટલા ભેળી પાતળી રાબે,

ગરકાંઠાના ગામડે મારું

મન રંગાયું હે-ય રગેરગ.

સ્રોત

  • પુસ્તક : ગુલાલ અને ગુંજાર (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : ઈશા-કુન્દનિકા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997