ચંદ્રકાન્ત શાહ
Chandrakant Shah
શાહી નામના એક શ્રાપથી આ દુનિયામાં અઢળક શબ્દો ખરડાયાં રે ખરડાયાં
આ કાગળ પર જ્યાં જ્યાં કોરી જગ્યા છે ત્યાં અનેક અવાજો ધરબાયાં રે ધરબાયાં
(અને એટલે નહિ બોલાયેલા, વંચાયેલા, સંભળાયેલા દરેક શબ્દને ખમ્મા! ખમ્મા!)
શાહી વિનાની અભિવ્યક્તિના મનોરથો લઈ ફરતા કાગળ થઇને ડૂચે ડૂચા
વિચાર નામના એક બૉમ્બથી કાગળની એ મનોદશાના ઊડતા ફૂરચે ફૂરચા
કાગળની છાતીમાં વસતું મૌન પામવા અનેક માણસો કવિ બની અહીં ભરમાયાં રે ભરમાયાં
(અને એટલે નહિ સુંઘાયેલા, સ્પર્શાયેલા, ચુંથાયેલા દરેક શબ્દને ખમ્મા! ખમ્મા!)
શાહી ભરેલી કલમ ઉપાડી શૂરાપૂરા થઈને કવિઓ કાગળ પાછળપાછળ ફરતાં
ટાંક ઉપરથી ટપક ટપકતા ટીપાં વચ્ચે અનેક શબ્દો તરતાં, અનેક વિચારો મરતાં
કાગળ ઉપર ખરતાં મરતાં વિચાર વચ્ચે કૈંક કવિજણ અટવાયાં રે અટવાયાં
(અને એટલે નહિ ચર્ચાયેલા, અર્ચાયેલા, ભાષાયેલા દરેક શબ્દને ખમ્મા! ખમ્મા!)
(આ દુનિયામાં અટવાયેલા, ભરમાયેલા, ધરબાયેલા દરેક શબ્દને ખમ્મા! દરેક જીવને ખમ્મા!)
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ 1985 (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
