sawar - Geet | RekhtaGujarati

ખીલ્યા ખીલ્યા પારિજાતની તળે,

હવે સવાર ભીનું ભીનું ગળે.

ધુમ્મસ શાં આછાં દૃગથી હું જોઉં,

અને થતું: ધુમ્મસમાં મુજને ખોઉં.

હવે હોઠ ધુમ્મસ, ગાલ ધુમ્મસ,

ધુમ્મસ ધુમ્મસ નાકકાન ધુમ્મસ,

ધુમ્મસ વચ્ચે પારિજાતની સુવાસ ધુમ્મસ,

નભની તો શી વાત કરું જ્યાં હવાય ધુમ્મસ.

પારિજાતની લઈ કેસરી દાંડી,

કિરણોએ ઘર ઘરની ક્રીડા માંડી,

ખીલ્યા ખીલ્યા પારિજાતની તળે,

હવે સવાર ભીનું ભીનુ ગળે.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 2 (પૃષ્ઠ ક્રમાંક 215)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973