Sawanghan - Geet | RekhtaGujarati

સાવનઘન

Sawanghan

રમેશ ઓઝા રમેશ ઓઝા
સાવનઘન
રમેશ ઓઝા

ઘડી તડકો ઘડી ફોરાં

આ સાવનઘન ઘડી વરસે ઘડી કોરાં.

અણધાર્યાં અહીં-તહીંથી આવી,

નીલા નભસરમાં ઝંપલાવી

છબછબિયાં કરતાં જાણે કે નટખટ ગ્રામીણ છોરાં.

પેલા પર્વતશૃંગ ઉપર પલ

ઝૂકે, અન્ય ક્ષણે ફરી ઓઝલ –

ઘડી શ્યામથી દૂર રાધિકા, ને ઘડી જાણે ઓરાં.

ધૂપછાંવની મનભર માયા,

એક રૂપની વિધવિધ છાયા,

ઘડી પાર્વતી બને ભીલડી, ને ફરી ગૌરી ગોરાં.

સ્રોત

  • પુસ્તક : કવિતા : જૂન, 1968 (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ