Savarma - Geet | RekhtaGujarati

સવારમાં

Savarma

રમેશ પારેખ રમેશ પારેખ
સવારમાં
રમેશ પારેખ

મારે મોભારે કાગડા બોલ્યા, બોલ્યા સવારમાં

મેં તો ઝપ્પ દઈ પોપચાં ખોલ્યાં, ખોલ્યાં સવારમાં

કાગા, તારી ડોકમાં પહેરાવું ફૂલમાળ

આછું રે મોંસૂઝણું ઊગ્યું ઘૂઘરિયાળ

કાળાં કાળાં વાદળ કાંઈ ઝૂક્યાં, ઝૂક્યાં સવારમાં

મેં તો દીવા પેટાવીને મૂક્યા, મૂક્યા સવારમાં

ઘરમાં ગામતરું કરું પ્હોંચું ઘર મોઝાર

સથવારામાં મોરનો માતેલો ટહુકાર

કાંઈ વાસ્યો વસાય નહીં ડેલો, ડેલો સવારમાં

મને વાગ્યો સવારનો રેલો, રેલો સવારમાં

કાજળ ને કંકુ કરે સામેસામાં વાદ

એક કહે : શમણું હતું, એક કહે : વરસાદ

મને ઘેલું સોંસરવું લાગ્યું, લાગ્યું સવારમાં

અને વાસીદું હાથમાં વાગ્યું, વાગ્યું સવારમાં

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑગસ્ટ, 1980 (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ