sav re khovai jashu dukhne othar - Geet | RekhtaGujarati

સાવ રે ખોવાઈ જશું દુઃખને ઓથાર

sav re khovai jashu dukhne othar

પ્રફુલ્લ પંડ્યા પ્રફુલ્લ પંડ્યા
સાવ રે ખોવાઈ જશું દુઃખને ઓથાર
પ્રફુલ્લ પંડ્યા

સાવ રે ખોવાઈ જશું દુઃખને ઓથાર
                 અને સુખથી કહીશું હવે આવજો
અરધાંપરધાં ય અમે ઓળખાયા હોઈએ
                તો મહેરબાની પૂરા ભુલાવજો
 
સપનામાં સંજીવની સળગી ઊઠી કે એનો
               ઘેરો ઉલ્લાસ મારા શ્વાસમાં
અજવાળું એટલું વાગ્યું કે જીવ હવે
              વાટ સંકોરવા પ્રવાસમાં
 
અમથું અમથું આ રોજ અંધારું નડતું
             તો નડતરને તેજથી વધાવજો...
 
પાંચ પાંચ દેવતાઓ ઓલવાતા જાય
            છતાં દીવે અજવાળું કેમ રાખો?
એનો જવાબ આપવાનો હોય હૈયાથી
            સતથી ઓગળતી મારી પાંખો!
 
છેલ્લું ઉડાણ સાવ એળે નવ જાય
           પ્રભુ એટલું અમારું કૈંક રાખજો...

સ્રોત

  • પુસ્તક : શેષવિશેષ ૮૪ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : હરીશ મીનાશ્રુ, પ્રમોદકુમાર પટેલ
  • પ્રકાશક : ચારુતર વિદ્યામંડળ
  • વર્ષ : 1986