Dholya - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભૂરી ડુંગર ઓળ્ય રે -ધ્રાંગડ! સૂડાં લીલાં લોલ્ય રે -ધ્રાંગડ!

ચાંચે રાતી ચોળ્ય રે -ધ્રાંગડ! ચૂગે ઊભાં મોલ્ય રે -ધ્રાંગડ!

ઉગમણાંની કોર્ય રે -ધ્રાંગડ! વાગતાં ઢમક ઢોલ્ય રે -ધ્રાંગડ!

આભ ભરી પડઘાય બળુકા બોલ્ય રે એનાં ધ્રાંગડ ધ્રાંગડ!

શ્રાવણ વદ આઠમ્યને મેળે ઢોલ્ય ધડૂકે ધ્રાંગડ ધ્રાંગડ!

ભરિયાં ભરિયાં હાટ્ય રે -ધ્રાંગડ!

દુકાન્યુંના ઠાઠ્ય રે -ધ્રાંગડ!

માલ શા મોંઘા દાટ્ય રે -ધ્રાંગડ!

પળીએ હાલો વાટ્ય રે -ધ્રાંગડ!

નીકળીએ પણ ક્યમ જ્યહીં લોક વધતું હાયે આંગળ આંગળ!

શ્રાવણ વદ આઠમ્યને મેળે ઢોલ્ય ધડૂકે ધ્રાંગડ ધ્રાંગડ!

રાહડાને હિલ્લોળ્ય રે -ધ્રાંગડ!

છલકે છાનાં કોડ્ય રે -ધ્રાંગડ!

પજવણી લે છોડ્ય રે -ધ્રાંગડ!

પાડ્ય હવે સઈ! ફોડ્ય રે-ધ્રાંગડ!

કોણ રમે મારી જોડ્યમાં હામો લટકાળો ને બાંગડ બાંગડ?!

શ્રાવણ વદ આઠમ્યને મેળે ઢોલ્ય ધડૂકે ધ્રાંગડ ધ્રાંગડ!

માંજરા એના નેણ રે -ધ્રાંગડ!

અદકી કરે શેણ રે -ધ્રાંગડ!

એક આછું વેણ રે -ધ્રાંગડ!

તોય ક્યા મોઘમ કે'ણ રે -ધ્રાંગડ!

ચિતના તે લઈ જાય છડેચોક છેન હંધાયે જાંગડ જાંગડ

શ્રાવણ વદ આઠમ્યને મેળે ઢોલ્ય ધડૂકે ધ્રાંગડ ધ્રાંગડ!

(૧૯૮૮)

સ્રોત

  • પુસ્તક : છોળ (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સર્જક : પ્રદ્યુમ્ન તન્ના
  • પ્રકાશક : પ્રસાર, ભાવનગર
  • વર્ષ : 2000