sat bhawni ekaltaman - Geet | RekhtaGujarati

સાત ભવની એકલતામાં

sat bhawni ekaltaman

નયન હ. દેસાઈ નયન હ. દેસાઈ
સાત ભવની એકલતામાં
નયન હ. દેસાઈ

સાત ભવની એકલતામાં તુજને શાની ખોટ જીવજી,

ચાર પ્રહર ચોપાટ રમ્યા ને ચાર પ્રહરની ગોઠ જીવજી!

કોઈ ભૂલ્યો ભટકેલો રસ્તો આવી પૂછે નામ જીવજી,

હોય, જરા અણુસોરું લાગે પણ કરવા પ્રણામ જીવજી!

કયાંય સુધી રેલાઈ ગયેલો એક જણ દરિયો થાય જીવજી,

થાય કદી કંઈ મોજાંનો ફીણફીણ કજિયો થાય જીવજી!

નસમાં લેાહી વહેતું રાખે જણની જય બોલો જીવજી,

નહિ તો કયાંથી ફૂલને મળતે ઝાકળનો હડદોલો જીવજી?

મુજ પાળેલો મુજ આશ્રમના કોણે ચોર્યો મોર જીવજી?

સાંજ પડે ને ઘેરી લ્યે છે ટહુકાઓ નઠ્ઠોર જીવજી!

નગરના દરવાજે એક ડૂસકું ખખડાવે છે ભોગળ જીવજી,

આંસુ જાગે અથવા કવિતા જેનાં જેવાં અંજળ જીવજી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983