સાત ભવનની એકલતામાં
Sat Bhavanni Ekalata ma
નયન હ. દેસાઈ
Nayan H. Desai
નયન હ. દેસાઈ
Nayan H. Desai
સાત ભવનની એકલતામાં તુજને શાની ખોટ જીવજી!
ચાર પ્રહર ચોપાટ રમ્યાને ચાર પ્રહરની ગોઠ જીવજી!
કોઈ ભૂલ્યો ભટકેલો રસ્તો આવી પૂછે નામ જીવજી!
હોય, જરા અણસોરું લાગે પણ કરવા પરણામ જીવજી!
ક્યાંય સુધી રેલાઈ ગયેલો એક જણ દરિયો થાય જીવજી!
થાય કદી કાંઠા મોજાંનો ફીણ ફીણ કજિયો થાય જીવજી!
નસમાં લોહી વહેતું રાખે એ જીવની જય બોલો જીવજી!
નહિ તો ક્યાંથી ફૂલને મળતે ઝાકળનો હડદોલો જીવજી!
મુજ પાળેલો મુજ આશ્રમનો કોલો માર્યો મોર જીવજી!
સાંજ પડેને ઘેરી લ્યે છે ટહુકાઓ નઠ્ઠોર જીવજી!
નગરના દરવાજે એક ડૂસકું ખખડાવે છે ભોગળ જીવજી!
આંસુ જાગે અથવા કવિતા જેનાં જેવાં અંજળ જીવજી!
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
