સરાણીઆને
saraniyaane
અશોક હર્ષ
Ashok Harsh
સજવા તલવાર એવી માંડો સરાણીઆ!
વાયુ નચાવે જેવી સરવરીએ પોયણી,
નમણે મરોડ રહેતી નાચી સરાણીઆ!
મુરલીના નાદે પેલો ફણીધર ડોલતો,
એના રે દંશ શી, ન કાચી સરાણીઆ!
એકી નિપાતે તોડે શૈલોના શૃંગ એવા
વજ્જરની ચોટથી હો આંકી સરાણીઆ!
લીસી મશરૂ શી, ઠંડી મૃત્યુના હાથથી
જવારીના પાન શી હો બાંકી સરાણીઆ!
આભનાં તે ગાભ ચીરી ચમકંતી વીજળી
એની શત જીભથી યે તાતી સરાણીઆ!
મ્યાને ચીતરજો એને માતા કો લાલને
હરખે પોઢાડે હાલાં ગાતી સરાણીઆ!
બીજી સૌ વાત આજે છાંડો સરાણીઆ!
સજવા તલવાર એવી માંડો સરાણીઆ!
(અંક ૧૯૦)
સ્રોત
- પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 82)
- પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
- વર્ષ : 1991