સપનું આવ્યું કે
sapnu aavyu ke
સુરેશ દલાલ
Suresh Dalal
સુરેશ દલાલ
Suresh Dalal
એક દિવસ રેતીને સપનું આવ્યું કે મારો સાવ રે
સુકાઈ ગયો દરિયો,
ક્યાં છે તરંગનાં એ ઊડતાં પંખીઓ? કઈ જાળમાં
ફસાઈ ગયો દરિયો
સેલારા લેતી શોષાઈ ગઈ માછલીઓ
શઢના લીરામાં ઊડે ચીસ;
શંખલા ને છીપલાંના ફાટ્યા ડોળાઓ કેમ
નીરખે છે દખ્ખણની દિશ?
ક્યાંય નહીં સાંભળું હું એનો ઘૂઘવાટ : કયા દરિયામાં
ડૂબી ગયો દરિયો?
એક દિવસ રેતીને સપનું આવ્યું કે મારો સાવ રે
સુકાઈ ગયો દરિયો!
મારો લીલો દરિયો અને ભૂરો દરિયો :
મારા દરિયાનો ઝળહળતો રંગ;
ઝાકળની જેમ એ તો ઊડી ગયો ને
મારા કાંઠાઓ થઈ ગયા તંગ.
આછે નિઃશ્વાસ મારે હૈયેથી સરતો ત્યાં આંખોનો
છળી ઊઠ્યો દરિયો :
એક દિવસ રેતીને સપનું આવ્યું કે મારો સાવ રે
સુકાઈ ગયો દરિયો!
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 39)
- સંપાદક : નિરંજન ભગત
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
- વર્ષ : 1980
