સાંજનો શમિયાણો
sanjno shamiyano
વેણીભાઈ પુરોહિત
Venibhai Purohit
સમીસાંજના શમિયાણામાં
ધીમો ધીમો ધૂપ જલે છે!
તગતગ તારક અંગારા પર
ભભરાવેલો
પ્રીતવિરહનો ધૂપ જલે છે!
સમીસાંજના શમિયાણામાં
ધીમો ધીમો ધૂપ જલે છે!
મંદ મરુત ને ધૂમ્રસેર નિજ અંગ મરોડે...
આશાભંગ બની અટવાતી ઊંચે દોડે—
સુગંધ એની સર્યા કરે છે સોડે સોડે :
વહાલાં જેને જાય વછોડી
તે હૈયું ગુપચુપ જલે છે :
સમીસાંજના શમિયાણામાં...
તેજ–તિમિરની આછી આછી રંગબિછાતે,
મોતી વચકી જાય નયનથી વાતે વાતે—
ધબકારાના પડે હથોડા દિવસે-રાતે :
યૌવનનું ઉપવન છે સૂનું,
ને કામણના કૂપ જલે છે!
સમીસાંજના શમિયાણામાં...
ઊની ઊની આવનજાવન કરે નિસાસા,
સપનાંઓનાં કંઠ રહ્યા છે પ્યાસા પ્યાસા :
દિલને ગમતા નથી હવે તો કોઈ દિલાસા :
ઘેરી ઘેરી હસે ઉદાસી,
લીલું લીલું રૂપ જલે છે
સમીસાંજના શમિયાણામાં...
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં (પૃષ્ઠ ક્રમાંક 86)
- સંપાદક : નિરંજન ભગત
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
- વર્ષ : 1980