sanjni wela - Geet | RekhtaGujarati

સાંજની વેળા

sanjni wela

ગની દહીંવાલા ગની દહીંવાલા
સાંજની વેળા
ગની દહીંવાલા

રે મન! આવી સાંજની વેળા

ગોધણ લૈ ગોવાળ અમારા થયા નહીં ઘરભેળા,

રે મન! આવી સાંજની વેળા.

દી આખો એકલવાયું ચિત્ત ચઢે ચકડોળે,

મન-મંજરીઓ મ્હોરી રે’તી,

રસ રજનીના ખોળે;

સાંજ-સવારે રોજ ભરાતા ને વિખરાતા મેળા,

રે મન! આવી સાંજની વેળા.

સૂર્યમુખીના ફૂલ શું હૈયું કરમાતું જે વ્હાણે,

સોળ કળાએ કળીઓ એની ખીલતી ગોરજ ટાણે;

ઉગમણે એનાં વળામણાં આથમણે એનાં તેડાં,

રે મન! આવી સાંજની વેળા.

આતુર નયને દૂર દિશામાં ડમરી ઊડતી ભાળું,

આછેરા અંધારની ઓથે આવે મુજ અજવાળું,

ભરતી ટાણે ઉભરાયા શું સ્નેહ-સરિતના વ્હેળા!

રે મન! આવી સાંજની વેળા.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સંપાદક : જયંત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981