સાંજની શોભા
Sanj ni Shobha
નર્મદ
Narmad
નર્મદ
Narmad
સાંજની શોભા તો રળીયામણી;
હાંરે હીંગલોકિયાં તરતાં તેજ બીંબની-હોજીરે - સાંજની...
હાંરે બાવળ ઝાડિમાંથી સૂર્ય-અસ્ત જોઈને;
હાંરે સિંદુર રંગથી ન કેમ રહૂં મોહિને-હોજીરે - સાંજની...
હાંરે રૂડાં ખેતરો ખુલાં તે પાસ તેડતાં;
હાંરે રંગિન બાવળો તે આંખમાં રંગ ખેલતાં-હોજીરે– સાંજની...
હાંરે ગયો સૂર્ય કે વધ્યો જ ચંદ્ર તેજમાં;
હાંરે સાથ દીસતો તે શુક્ર વળી સ્હેજમાં-હોજીરે - સાંજની...
હાંરે વરસ બેનું બાળક એક ભરવાડનૂં;
હાંરે બેસી ફૂંકતૂં હતૂં તે ઘાસ વાડનૂં-હોજીરે - સાંજની...
હાંરે ભરવાડણી આવી પછી જ્હાં ઝોકડૂં;
હાંરે માથે માટિના વાસણ ખાંધે બોકડૂં-હોજીરે– સાંજની...
હાંરે લીલા બહુ મચી વિશાળ ગામ ગોંદરે;
હાંરે જોયૂં નર્મદે ટકારમૂં નભૂ વડે-હોજીરે - સાંજની...
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 168)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
