sandesh - Geet | RekhtaGujarati

મથુરાનરેશ કાન કહાવે સંદેશ

જાઓ ઉદ્ધવજી ગોકુળની વાટે

વિરહમાં ગોપીઓ ત્યાં ઝૂરી ઝૂરીને

રખે પોઢી જાય મૃત્યુના ઘાટે

ચોવટિયા ઉદ્ધવજી વ્રજ ભણી સંચર્યા ને

તત્ત્વોની વાત જઈ માંડી :

વિશ્વંભર વ્યાપીને બેઠો છે કણકમાં

અણુનીય રેખ નથી છાંડી

ક્યાં રૈયત ક્યાં રાજ?

બેન, દૈહિક સંબંધ કદી તૂટે સંધાય

જેવા લેખ લખ્યા વિધિએ લલાટે...

સૂણી વેણ વદી ગોપીઓ ત્યાં એમ :

નથી અળગો લવલેશ કાન અમથી

રોમ રોમ છાયો માટીરા પિંડે

જ્યમ જમનાનાં તીર ભર્યાં જળથી

તો જીવતાની વાત

ઓધા! મૂઆ પછીય અરે, ફૂંકે કોઈ હાડકાં

તો વેણુ થઈ કાન કાન વાગે...

મથુરા જઈ ઓધાએ આંખો વરસાવીને

મોહનના ચરણો પખાળ્યા

સ્વીકારી ગોપીઓની મોટપ ને પોતાની

બુદ્ધિના ડોડ બધા ટાળ્યા

થાઉં વૃક્ષ, વેલ, તૃણ

કાન! વૃંદાવન વિહરતી ગોપીઓની ચરણધૂળ

રોજ રોજ ૫રસી રહું માટે...

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ 1985 (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ