aapna malakman - Geet | RekhtaGujarati

આપણા મલકમાં માયાળુ માનવી,

માયા મેલીને જાવું, મારા ભાઈબંધ!

આપણા મલકમાં ગરવો ગિરનાર છે,

દેરે દેરે દેવ બેઠા, મારા ભાઈબંધ!

આપણા મલકમાં રતનાગર સાગર,

ખારવા સમદર ખેડે, મારા ભાઈબંધ!

આપણા મલકમાં આંબાનાં ઝાડવાં,

કેરીમાં કેસર ઘોળ્યાં, મારા ભાઈબંધ!

આપણા મલકમાં પાણીયાળાં ઘોડલાં,

અસવાર આડો આંક, મારા ભાઈબંધ!

આપણા મલકમાં પંખીરાજ મોરલો,

પીંછડે ટાંક્યાં હીરા, મારા ભાઈબંધ!

આપણા મલકમાં ગામેગામ ખાંભિયું,

મરી જાણ્યું મુછાળે, મારા ભાઈબંધ!

આપણા મલકમાં રાસ્યુંની રમઝટ,

જોબનનાં નીર જાય હેલે, મારા ભાઈબંધ!

સ્રોત

  • પુસ્તક : ડાંગરનો દરિયો (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : જયંતીલાલ સોમનાથ દવે
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1982