samnaan viinvaa haalii - Geet | RekhtaGujarati

સમણાં વીણવા હાલી

samnaan viinvaa haalii

મહેશ મકવાણા મહેશ મકવાણા
સમણાં વીણવા હાલી
મહેશ મકવાણા

રૂપલે મઢી ફાગણ રાતે હાથ હવાનો ઝાલી

અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.

સોળ ચોમાસાં ઠાલવી દીધાં

ઓણ ચોમાસું પીધું

આભની ટાઢી જલધારાએ

અંગ દઝાડી દીધું.

વહેતી જાઉં હું બે-કાંઠે, ગામની નદિયું ખાલી

અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.

છાબડી મારી છલકે ભેળી

હુંય ઘણી ઢોળાઉં

માઢ ને મેડી, ફળિયું-શેરી,

સીમ સુધી ફોરાઉં.

પગલે પગલે ઢોળતી આવી ધૂળમાં જોબન લાલી

અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૧૯૯૮ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : જયદેવ શુક્લ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2001