sambhran - Geet | RekhtaGujarati

રોઇ રોઇ આંસુની ઊમટે નદી

તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,

વાદળ વરસે ને બધી ખારપ વહી જાય

પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો.

આંખોમાં સાંભરણાં ખૂંચશે કણાની જેમ

પાંપણનાં દ્વાર કેમ દેશું?

એક પછી એક પાન ખરશે કદમ્બનાં

ને વેળામાં વીખરાતાં રેશું,

છલકાતું વહેણ કદી હોલાતું લાગે

તો વેળુમાં વિરડા ગળાવજો.

આઠમની ધોધમાર મધરાતે એકવાર

પાનીએ અડીને પૂર વળશે,

પાણીની ભીંતો બંધાઈ જશે

ગોકુળને તેદિ’ ગોવાળ એક મળશે,

લીલુડાં વાંસવન વાઢશો કોઈ,

મોરપીંછીયુંને ભેળી કરાવજો.

પૂનમની એકાદી રાતના ઉજાગરાને

સાટે જીવતર લખી જાશું

અમથું રે સાંભરશું એકાદ વેણમાં

તો હૈયું વીંધાવીને ગાશું,

ભવભવની પ્રીતિનું બંધાણી ભેટે

તો વનરાવન વાટે વળાવજો!

લીલુડાં વાંસવન વાઢશો કોઈ,

મોરપીંછિયુંને ભેળી કરાવજો.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 154)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008