મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
maitribhavnu pavitra jharnun
ચિત્રભાનુ
Chitrabhanu

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે,
પ્રભુ એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા, ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે. મૈત્રીભાવનું...
દીન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. મૈત્રીભાવનું...
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ માર્ગની, તોયે સમતા ચિત્ત ધરું. મૈત્રીભાવનું...
ચિત્રભાનુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે,
વેર-ઝેરના પાપ તજીને, મંગલ ગીતો એ ગાવે. મૈત્રીભાવનું...



સ્રોત
- પુસ્તક : અમી સ્પંદન (પૃષ્ઠ ક્રમાંક 267)
- સંપાદક : પ્રવીણચંદ્ર દવે
- પ્રકાશક : લલિતા દવે
- વર્ષ : 2009
- આવૃત્તિ : બારમું પુનઃર્મુદ્રણ