sambelun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાંબેલું

sambelun

મનહર જાની મનહર જાની
સાંબેલું
મનહર જાની

ખાંડણિયામાં ખોબો મગની દાળ રે

સાંબેલું ચંદણ સાગનું ...

અફડક આંધણ મૂક્યાં'તાં

ફળિયે છાયાં ઢૂંક્યાં'તાં

ઓસરીને કોરે અલાયદા

નણંદબા લગરીક થૂંક્યાં'તાં

મજૂસ માથે ખૂમચો ખાટી છાશ રે

સાંબેલું ચંદણ સાગનું...

બાઈજી બચ્ચરવાળ છે

જેઠજી જાજરમાન છે

નેવાં નીચે લવીંગડીનાં

લીલાં ધમરખ પાન છે

ટાઢા ચૂલે તલસરાનો તાપ રે

સાંબેલું ચંદણ સાગનું ...

પાંપણ નીચે ઢાંકી છે

બાંબળ બોરડી પાકી છે

કાચાં પાકાં કારેલાં ને

કઢી વઘારવી બાકી છે

આરણ કારણ આથમણી પરસાળ રે

સાંબેલું ચંદણ સાગનું...

ધામેણામાં ધોળું ફૂલ

કરિયાવરમાં કળશી શૂળ

ભાગર - ભૂગર ભળકડાંનું

અજવાળું અરધૂંક

શમણે સાયલ સોપારીના ઝાડ રે

સાંબેલું ચંદણ સાગનું...

સ્રોત

  • પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : મનહર જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2001