haiyani wat - Geet | RekhtaGujarati

હૈયાની વાત

haiyani wat

મકરંદ દવે મકરંદ દવે
હૈયાની વાત
મકરંદ દવે

કો’કનાં તે વેણને વીણી વીણીને, વીરા!

ઊછી-ઉધારાં કરીએ;

હૈયે ઊગે એવી હૈયાની વાતને

ફૂલ જેમ ફોરમતી ધરીએ.

કોયલ તો કોઈનો ટહુકો માગે ને

મોરલો કોઈની કેકા,

માનવીનું કાળજ તે કેવું કર્યું?

પીડ પોતાની, પારકા લ્હેકા!

રૂડા-રૂપાળા સઢ કોકના શું કામના?

પોતાને તુંબડે તરીએ.—

કોઈ કોઈ સંભારે રામટેકરી,

કોઈ ઓઢા-હોથલની ગુહા,

ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે

ક્યાંક દરદે નીંગળતા દુહા :

જીવતી ને જાગતી જીવનની ખોઈમાં

કોઈની ભભૂત ભરીએ—

પોતાની વાંસળી પોતે બજાવીએ ને

રે લાવ દઈએ સૂર,

ઝીલનારું એને ઝીલી લેશે, ભલે

પાસે હોય કે દૂર :

ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા!

જીવતાં આપણે મરીએ.—

કો’કનાં તે વેણને વીણી વીણીને, વીરા!

ઊછી-ઉધારાં કરીએ.

સ્રોત

  • પુસ્તક : સંજ્ઞા (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : મકરંદ દવે
  • પ્રકાશક : શ્રી હરિહર પુસ્તકાલય
  • વર્ષ : 1964