ghardaa thaii gayaan phaibaa chhataany - Geet | RekhtaGujarati

ઘરડાં થઈ ગ્યાં ફૈબા છતાંય

ghardaa thaii gayaan phaibaa chhataany

જ્ઞાનપ્રકાશ આકુલ જ્ઞાનપ્રકાશ આકુલ
ઘરડાં થઈ ગ્યાં ફૈબા છતાંય
જ્ઞાનપ્રકાશ આકુલ

ઘરડાં થઈ ગ્યાં ફૈબા છતાંય,

શ્રાવણમાં પિયર આવી જાય છે.

બાપુની સાથે વિદાય થયા

સૌ અધિકાર ઘર ને આંગણનાં,

ફળિયું, ઉંબરો અને ઓરડો

માડી લઈ ગઈ સગપણનાં.

સુકાતાં એક તળાવે જઈને

જાણે શુંયે વાતો થાય છે!

ઘરડાં થઈ ગ્યાં ફૈબા છતાંય,

શ્રાવણમાં પિયર આવી જાય છે.

મોતિયો પાકી જાતાં આંખે

ધુમ્મસ સાવ છવાઈ રહ્યો.

નાનપણનો લીલુડો લીમડો

હવે તો નર્યો સૂકાઈ રહ્યો!

એજ ઠૂંઠની નીચે અટકી

ભૂલેલું કશુંક ગાય છે.

ઘરડાં થઈ ગ્યાં ફૈબા છતાંય,

શ્રાવણમાં પિયર આવી જાય છે.

વડલા, પીપળા ને શેરીથી

બાળપણનું છે વળગણ.

જાતે ચાલ્યાં આવે હંમેશાં

કોઈ ના બોલાવે તો પણ...

જતાં જતાં ચપટીક ચોખા

ઘરમાં વેરીને હરખાય છે!

ઘરડાં થઈ ગ્યાં ફૈબા છતાંય,

શ્રાવણમાં પિયર આવી જાય છે.

(હિંદીથી ભાવાનુવાદ : કુમાર જિનેશ શાહ)

સ્રોત

  • પુસ્તક : અનુવાદક તરફથી મળેલી કૃતિ