bhani - Geet | RekhtaGujarati

દીવાળીના દિન આવતાં જાણી,

ભાદરમાં ધુવે લૂગડાં ભાણી.

માથે હતું કાળી રાતનું ધાબું,

માગી-ત્રાગી કર્યો એકઠો સાબુ :

‘કોડી વિનાની હું કેટલે આંબું?’

રૂદિયામાં એમ રડતી છાની,

ભાદરમાં ધુવે લૂગડાં ભાણી.

લૂગડાંમાં એક સાડલો જૂનો,

ઘાઘરોયે મેલો દાટ કે'દુનોઃ

કમખાએ કર્યો કેવડો ગુનો?

તીને ત્રોફાએલ ચીંથરાને કેમ ઝીંકવું તાણી?

ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

એઢણું પે’રે ને ઘાઘરા ધુવે,

ઘાઘરો ઓઢે ને ઓઢણું ધુવે;

બીતી-બીતી ચારે દિશમાં જુવે,

એને ઉઘાડાં અંગે અંગમાંથી આતમા ચુવે:

લાખ ટકાની આબરૂને એણે સોડમાં તાણી,

ભાદરમાં ધુવે લૂગડાં ભાણી.

ઊભાં ઊભાં કરે ઝાડવાં વાતું,

ચીભડાં વેચીને પેટડાં ભરતી

કયાંથી મળે એને ચીંથરું ચેાથું?

વસ્તર વિનાની ઇસ્તરી જાતની આબરૂ સારું

પડી જતી નથી કેમ મો’લાતુ?

શિયાળવાંની વછૂટતી વાણી,

ભાદરમાં ધુવે લૂગડાં ભાણી.

અંગે અંગે આવ્યું ટાઢનું તેડું

કેમ કરી થાવું ઝૂંપડી ભેળું?

વાયુની પાંખ ઉડાડતી વેળુ:

જેમતેમ પે'રી લૂગડાં નાઠી,

ઠેસ, ઠેબાં ગડથોલિયાં ખાતી:

ધ્રૂજતી ધ્રૂજતી

કાયા સંતાડતી

કૂબે પહોંચતાં તે પટકાણી

રાંકની રાણી :

ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી.

સ્રોત

  • પુસ્તક : ઇન્દુલાલ ગાંધીની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સંપાદક : ડૉ. બળવંત જાની
  • પ્રકાશક : લેંગ લાયબ્રેરી, રાજકોટ
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : 2