હવે અમારે શું ગમતું-અણગમતું?
have amaare shun gamtun-angamtun?
હરિકૃષ્ણ પાઠક
Harikrishna Pathak

હવે અમારે શું ગમતું-અણગમતું?
ભાવ-શૂન્ય આ ભવસાગરમાં નાવ ભલેને રમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?
સઢના દોર કહીં નહિ બાંધ્યા,
નહીં હલેસાં હાથે.
કાળ-પ્રવાહે વહ્યે જવું-બસ
અંધ સમયની સાથે.
ક્ષિતિજ વિષે ધ્રુવ તારક હો કે આભ શૂન્યતા ઝમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?
રટણા નહિ મઝધાર તણી
નહિ પાર જવાની લગની
જેવી શીત સપાટી-
એવો વડવાનલનો અગની.
અમે પંડથી અળગા : આ બ્રહ્માંડ ભલેને ભમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?



સ્રોત
- પુસ્તક : જળમાં લખવાં નામ (પૃષ્ઠ ક્રમાંક 12)
- સર્જક : હરિકૃષ્ણ પાઠક
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2010