
ધોમ ધખ્યા, ધરતી લખલખતી,
ઊની ઊની લુ વાય;
ચકલું સુદ્ધાં ચીં ચીં કરે નહિ;
કોણ ઊભું બાળે કાય?
લૂછે કોણ હાથે પરસેવો?
ગમાર મજૂર એ દેવો!
મજૂરોને થાક તે કેવો?
મોટે મળસ્કે દેવો જાગે
લેતો રામનું નામ.
રામે દેવાને બદલે દીધું
સડક ખોદ્યાનું કામ!
દેવો ઊઠે ધીમે પગલે;
દરિદ્રતા ઢગલે ઢગલે;
નિરાશા તો પગલે પગલે.
ઝૂંપડીએ પૂરો ઝાંપો નહિ, સૂતાં
ભોંયે બાલ નવસ્ત્ર.
બૈરી એની મૂઠી બંટી ને બાવટો
ખાંડી રહી શ્રમત્રસ્ત.
ખુલ્લી છાતી–ઊતરે રેલા!
ચીંથરિયા ચણિયાની વેલા.
અડધો રોટલો ફાળિયે બાંધી
દેવો નીકળે બહાર;
શ્વાન ભસે ને શિયાળ રુવે–
નવ દેવાને કંઈ દરકાર.
દેવે નાખી કૉશને ખાંધે.
શુકન શાં ગરીબોને લાધે?
દિન ચઢ્યે દેવો સડકે આવે,
દેતો મુકાદમ ગાળ;
દેવાને હૈયે એ પહોંચે નહિ,
એને ગાળથી ના ચઢે ઝાળ;
કોદાળીને ઝટપટ ઉપાડી,
સડક કેરી કપચી ઉખાડી;
દેવે એમ બપોર વિતાડી.
બટકું બટકું કરતાં અડધો
રોટલો પૂરો થાય.
થાકભર્યા દેવાની દૃષ્ટિ
ઝૂંપડીએ ઝટ જાય.
બૈરી બળતે પગ આવી,
મરચું અને રોટલો લાવી.
ભૂખ મટી? કે પેટ તણો ભૂંડો
ખાડો નવ પુરાય?
દેવાનું મુખ કે આંખ ન બોલે;
બોલે એની કૃશ કાય :
દેવો રોજ ભૂખે મરતો;
મૃત્યુ કેરી સડકે સરતો.
મુકાદમની મસ્તી મશ્કરી
ઝીલતી બૈરી જાય.
મોત સમી શીત આંખ દેવાની
ક્ષણભર જો ઝબકાય.
દેવો પાછો કામે ભાગે.
મજૂરોને ખોટું ન લાગે.
સાંજ પડે એ સડકે ફરશે
સાહેબ શેઠ અમીર.
દેવા, સમાલ! રખે કોઈ રસિયાને
હેલો લાગે લગીર!
જશે તારી આજની રોજી
મજૂરે થવાય ન મોજી.
તારી સમારેલી સડકે ફરશે
વાહન અપરંપાર.
તારે જવું પગ ઘસતાં દેવા,
પગદંડીની યે બહાર.
તારે ક્યાં છે બંગલા રહેવા?
ઝૂંપડીએ રસ્તા કેવા?
બાબાગાડીમાં ફુટડાં બાલક
હસતાં રમતાં જાય.
દેવા, તારાં બાલક માટે
ધૂળના ઢગ ઉભરાય.
મેલાં ઘેલાં વસ્ત્ર વિનાનાં,
ઉછેર મજૂર એ નાનાં!
મજૂરોને રૂપ તે શાનાં?
નાટક, મિજલસ, કીર્તન, ભાષણ :
ધનવાનોનાં કામ.
તારે કાજ સમાજે રચિયાં
આનંદ કેરાં ધામ!
રખે થાકી ભમતો, ભૂલ્યા!
તારે માટે પીઠાં ખુલ્લાં.



સ્રોત
- પુસ્તક : નિહારિકા (પૃષ્ઠ ક્રમાંક 145)
- સર્જક : રમણલાલ વસંતલાલ દેસાઈ
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1935