dudhwalo aawe - Geet | RekhtaGujarati

દૂધવાળો આવે

dudhwalo aawe

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
દૂધવાળો આવે
ઝવેરચંદ મેઘાણી

દૂધવાળો આવેઃ

ઘંટડી બજાવે:

દૂધ મીઠાં લાવેઃ

જોઈ સિનેમા માંડ સૂતાં'તાં: ઊઠવું કેમ ભાવે!

હાય રે પીટ્યો દૂધવાળો ઘંટડી બજાવે!

પાછલી પરોડઃ

અંધકાર ઘોરઃ

હૂંફ ભરી સોડ:

મીઠી મીઠી નીંદર મૂકી બા’ર કોઈ ના’વે-

હાય રે રોયો દૂધવાળો ઘંટડી બજાવે!

બાપુ કહે -બા, જાઃ

આપ તો મોટા રાજા!

નાકમાં વાગે વાજાં!

ગોદડું ઓઢી ઊઠતી બાને હાલતાં ઝોલાં આવે. -હાય રે.

સૂતાં લોક, જાગો!

જાગો રે, ભાઈ, જાગો!

રહું છું હું બહુ આઘો!

એમ બોલીને બારણે બેઠો રોગ પ્રભાતી ગાવે. -હાય રે.

બોરીવલી સ્ટેશનઃ

ત્રણ બજે ટનટનઃ

ભેંસો દોહી ભમભમઃ

રેલગાડીના મોત-ફૂંફાડે દોટમદોટ આવે-

પાઘડી વિંખાય, તાંબડી ઢોળાય, તોય વે’લો આવે. -હાય રે.

ભૂંડુંભૂખ મોઢુઃ

મોઢે મોટું દાઢુઃ

કાળું કામળ ઓઢ્યું:

મૂરખો મીઠી નીંદ ગુમાવે, ભજિયાં ટાઢાં ચાવેઃ

પારકાંને દૂધ પાઈને પોતે લોટ ગંધારા લાવે. -હાય રે.

એક દિવસ વાદળ

કાળું ઘોર કાજળ:

વીજળી ઝળોમળઃ

આંખમાં જ્વાળા, નાક ધુમાડા નાખતું તાતા તાવે,

તોય અંધારે ઊઠિયો લોભી! લથડ લેતો આવે. -હાય રે.

છેલ્લી ચલમ પીધી :

તાંબડી માથે લીધીઃ

આંધળી દોટ દીધીઃ

ચાલતી ટ્રેને ચડવા ચાલ્યો -રેલ શું કાકી થાવે!

એક દા'ડો સૌ ઊંઘિયાં સુખે: ઘંટડી નવ સતાવે,

-દૂધવાળો ના'વે.

વળતે દા’ડે બીજો

ભાઈ હો કે ભતરીજો

સાદ પાડે ‘શેઠ, લીજો!’

એજ ‘ઓ.કે.’ ચા1, બાપુ-બા, દૂધ એ-નું આવે,

દૂધવાળો મન અમારે -મુખ જોવા કોણ જાવે ?

દૂધવાળો આવે.

(1933)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997