salamo - Geet | RekhtaGujarati

સલામો કરું બીજના ચાંદને

સલામો જમીં આસમાં હો તને!

સલામો ચમનને ને વેરાનને

ઉછેર્યો તમે એક ઇન્સાનને.

દીઠાં છે કાશી કે કાબા અમે,

કુરાનો પુરાણો પઢ્યાં નૈ અમે,

નાપાક કે પાકના ભેદની

કિતાબો અમે ઉમ્રભરમાં ભણી.

અમે જે હતા ઢૂંઢતા તે જડ્યું

અહીં એક ઇન્સાનને દિલ ભર્યું

નયન નીતર્યું ને સબકથી સર્યું

નૂરે-વસ્લ : એણે વતનને ધર્યું.

અમો મિસ્કિનોને શી દૌલત મળી!

ગરુરી વધી નૈ, ગઈ ઓગળી.

હતા કંજૂસો કાળજૂના અમે,

ગયા વીફરી, રે ફના કાં ગમે!

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997