સખી! મારો સાયબો...
sakhii! maaro saaybo...
વિનોદ જોશી
Vinod Joshi
વિનોદ જોશી
Vinod Joshi
સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં…
એક તો માઝમ રાતની રજાઈ
ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
પોયણાંથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;
સખી! મારો સાયબો સૂનો એટલો કોના જેટલો
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પ્હેરવા દોડી જાઉં…
એમ તો સરોવરમાં બોળી ચાંચ
ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;
સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો
હું તો ટહુકા ઉપર મોરપીંછાંની ઓઢણી ઓઢી જાઉં.
સ્રોત
- પુસ્તક : ખુલ્લી પાંખે પિંજરમાં... (પૃષ્ઠ ક્રમાંક 34)
- સર્જક : વિનોદ જોશી
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2023
