સૈયર શું કરું?
saiyar shun karun?
બાબુ નાયક
Babu Nayak

સૈયર જોબન રાંધ્યો ભાત, સૈયર શું રે કરું?
એને 'નક્કોરડો' ઉપવાસ, સૈયર શું રે કરું?
સૈયર આંબે ઝૂલે સાખ, સૈયર શું રે કરું?
તોયે પોપટ ઠોલે દ્રાખ, સૈયર શું રે કરું?
સૈયર વાદળ ચમકે વીજ, સૈયર શું રે કરું?
એણે બળેલ વાવ્યું બીજ, સૈયર શું રે કરું?
સૈયર ઝરમર વરસે મેહ, સૈયર શું રે કરું?
એ તો રણમાં બળતી ચેહ, સૈયર શું રે કરું?
સૈયર ભાદરવો ભરપૂર, સૈયર શું રે કરું?
એ તો મૃગજળમાં મજબૂર, સૈયર શું રે કરું?
સૈયર કમખે ટાંક્યા મોર, સૈયર શું રે કરું?
એને ખટકે આઠે પ્હોર, સૈયર શું રે કરું?
સૈયર સોળ સજ્યા શણગાર, સૈયર શું રે કરું?
એ તો અમાસનો અવતાર, સૈયર શું રે કરું?
સૈયર હૈયું હેત હિલ્લોળ, સૈયર શું રે કરું?
એ તો નરદમ ટાઢોબોળ, સૈયર શું રે કરું?



સ્રોત
- પુસ્તક : હાલ્યને સૈયર (પૃષ્ઠ ક્રમાંક 62)
- સર્જક : બાબુ નાયક
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2019