Sadgat mu. Shree Mukundbhaine - Geet | RekhtaGujarati

સદ્ગત મુ. શ્રી મુકુન્દભાઈને

Sadgat mu. Shree Mukundbhaine

હરિકૃષ્ણ પાઠક હરિકૃષ્ણ પાઠક
સદ્ગત મુ. શ્રી મુકુન્દભાઈને
હરિકૃષ્ણ પાઠક

જળ રે ઊંડાં ને પાછાં નીતરાં

એવાં નવલાં નવાણ,

આંખ્યું રે મીચાણી અડધી વાતમાં

સહેવી કેમ રે હાણ

શું રે સંભારું, શું રે વીસરું?

વાતું માંડી'તી મબલખ મૂલની

ભુલી કેમ ભુલાય,

વેળા વેળાની વીતી છાંયડી

મીઠી લેરખડી વાય

મોતી સંચ્યાં રે મોંઘાં મૂલનાં.

જીરવ્યું ને જીવ્યા ઝીણી ખાંતથી

ઊંડા ઓળખ્યા મરમ.

અક્ષર આળેખ્યા શીળા તેજના

ભીતર ભજીને પરમ.

એક જ્યાં સંભારુ, બીજું સાંભરે.

તીરથ કર્યાની મંછા સેવતા,

તમને મળતા કદીક;

સતનો સમાગમ આજે આથમ્યો

થયા આંખથી અદીઠ

ફૂલની સુવાસે તમને પામશું!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર 1985 (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ