sacha shabad - Geet | RekhtaGujarati

આપ કરી લે ઓળખાણ

સાચા શબદનાં પરમાણ.

સાકર કહે નહિ, હું છું મીઠી,

વીજ પૂછે, મુજને દીઠી?

મોત બતાવે યમની ચિઠ્ઠી,

પેખ્યામાં પિછાણ

સાચા શબદનાં પરમાણ.

કોયલ ટહુકે આંબાડાળે

અંગ તોડે, કંઠ વાળે,

ગંગા વહતી સમતળ ઢાળે,

ખેંચ નહિ, નહિ તાણ

સાચા શબદનાં પરમાણ.

ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારે

શ્વાસ લિયે ને સૌરભ સારે.

અંતરથી એમ ઊઠે ત્યારે

વહે સ્વયંભૂ વાણ

સાચા શબદનાં પરમાણ.

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021