saagar - Geet | RekhtaGujarati

ખારાં ખારાં ઊસ જેવાં-

આછાં આછાં તેલ;

પોણી દુનિયા ઉપર એવાં-

પાણી રેલમછેલ!

આરો કે ઓવારો નહિ,

પાળ કે પરથારો નહિ,

સામો તો કિનારો નહિ,

પથરાયા જળભંડાર સભરભર્યા!

આભના સીમાડા પરથી-

મોટા મોટા તરંગ ઊઠી-

વાયુ વેગે આગળ ધાય,

ને અથડાતા પછડાતા જાય!

ઘોર કરીને ઘૂઘવે

ગરજે સાગર ઘેરે રવે!

કિનારાના ખડકો સાથે-

ધિંગામસ્તી કરતો કરતો

ફીણથી ફૂંફાડા કરતો,

ઓરો આવે, આઘો થાય,

ને ભરતી ઓટ કરતો જાય.

ઊંડો ઊંડો ગજબ ઊંડો!

માણસ ડૂબે, ઘોડા ડૂબે!

ઊંચા ઊંચા ઊંટ ડૂબે!

હાથી જેવાં તૂત ડૂબે!

કિલ્લાની કિનાર ડૂબે!

મહેલના મિનાર ડૂબે!

તાડ જેવાં ઝાડ ડૂબે!

મોટા મોટા પહાડ ડૂબે!

ગાંડો થઈને રેલે તો તો

આખી દુનિયા જળબંબોળ જળબંબોળ!

એનાં પાણી એનું પેટ

એવાં મોટાં જબરદસ્ત

નાની નાની માછલીઓના—

થાય મોટા મગરમચ્છ!

ચંદ્રની જ્યાં દૃષ્ટિ પડે,

ત્યાં તો પાણી હેલે ચડે;

આખો સાગર ઊંચો થાય,

મોજાંથી છલકાઈ જાય!

શંખ, સીપ, પરવાળાં ને

બીજી ચીજો પારંપાર,

મોઘાં-મૂલાં રત્નોનો

ભારેમાં ભારે ભંડાર!

હજ્જારો નદીઓ જઈ રેડે

કાયમ તેમાં મીઠાં નીર

તોયે એનાં સદાય ખારાં

પાણી દીસે શાં ગંભીર!

અપાર જળ એમાંથી સીંચી

મેઘ બધી દુનિયાને પાય

તોય છલાછલ છલકાતો

એવોને એવો દેખાય!

વિશાળ લાંબો પહોળો ઊંડો

એવો મોટો ગંજાવર!

એના જેવું કોઈયે મળે,

મહાસાગર તો મહાસાગર!

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 194)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ