roya nahin - Geet | RekhtaGujarati

રોયા નહીં

roya nahin

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
રોયા નહીં
હરીન્દ્ર દવે

અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યા ને પછી રોયા નહીં,

કંઈક મંડાઈ મીટ કેરી લાગણીથી આંસુઓને ધોયાં નહીં.

તમે વાટથી વંકાઈ આંખ ફેરવી લીધી

ને જરા ખટકો રહ્યો,

નાચતા બે પાય ગયા થંભી, બે હાથે

લાલ ફટકો રહ્યો.

કૂણાં લોચનિયાં જાતને મનાવે જાણે કે એને જોયાં નહીં;

અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં.

છૂંદણાના હંસ કને મોતી ધર્યો

ને પછી જોયા કર્યું,

તડકો તાપથી અકળાયો ને

અંગ ભીનું વાદળ ધર્યું.

એથી પાગલમાં જાતને ખપાવી, લાગે કે લેશ મોહ્યા નહીં,

પછી કાળજાથી કીકી લગી આંસુભર્યાં ને હવે રોયા નહીં.

(૧૯૭પ)

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 130)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : 2