gaya janamno saad - Geet | RekhtaGujarati

ગયા જનમનો સાદ

gaya janamno saad

ઉષા ઉપાધ્યાય ઉષા ઉપાધ્યાય
ગયા જનમનો સાદ
ઉષા ઉપાધ્યાય

ઘેરો ઘેરો ગયા જનમનો સાદ ઘૂંટે જળધારા...

હળવેથી પૂછે મનવાને

શીદને આમ રિસાયું?

અરે બાવરા કશું અધુરું?

લાવું બધું સવાયું,

હળવે ધૂપ વિખેરી ઉડતા વાદળના વરતારા,

ઘેરો ઘેરો ગયા જનમનો સાદ ઘૂંટે જળધારા.

રાગિણી કયા જનમની

ઘન સરસી થઈ વરસે!

અકળ-અદીઠા કયા અંજપે

મન મારું તરસે!

જોઉં જોઉં ત્યાં પલકવારમાં દૂર સરે અણસારા,

ઘેરો ઘેરો ગયા જનમનો સાદ ઘૂંટે જળધારા.

પવન સજાવે ચીર રેશમી

દસે દિશાથી આવી,

રંગ ફૂલોના નયન આંજતા

સ્વપ્ન મધુરા લાવી,

સરી જવનિકા ઉદાસ પળની, વરસી અમૃતધારા,

ઘેરો ઘેરો ગયા જનમનો સાદ ઘૂંટે જળધારા.

સ્રોત

  • પુસ્તક : તેજનો તરાપો લઈને (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ફ્લેમિંગો પબ્લિકેશન્સ, અમદાવાદ
  • વર્ષ : 2025
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ