વિજય રાજ્યગુરુ
Vijay Rajyaguru
ટેકરી - પાદર, વાડિયું - ખેતર, વગડો ને વન ખાલી,
સીમનો મારગ ખાલી... સીમનો મારગ ખાલી...
છાશને ટાણે સપનું આવ્યું, સપનામાં સિંદૂર
લાપસી ભરડ ભરડી નાખી, હૈડે હરખ પૂર
ઘમકે ઘુઘરમાળ ને આઘે ઊડતી ભાળું ધૂળ
વે'લડું વળે ઓતરાદું ને આંખમાં વાગે શૂળ
ગામની ઊંચી ટેકરી માથે સાવ નકામી દોડતી હાલી
સીમનો મારગ ખાલી… સીમનો મારગ ખાલી...
મોરલા – પોપટ, કેડિયે ભરત ભરતા મારા હાથ
છેલ છોગાળો પ્હેરશે, પ્હેરી ભરશે ભીની બાથ
ખડકી – સાંકળ ખખડી ઊઠે ઊઘડે મારા કાન
ખડકી ખૂલી જાય ને પવન ખેરવે પીળાં પાન
ગમતું ગવન અમથું હલે, ગમતી ચોળી અમથી ઝાલી
સીમનો મારગ ખાલી... સીમનો મારગ ખાલી...
ઊગશે કેદી’ આંગણે સૂરજ? ડૂબશે કેદી' રાત?
ટેરવાંએ જે આદરી પૂરી કરશું કેદી' વાત!
સહિયરુંનાં સાંભળું મેણાં વા'લમા તેડું લાવ્ય,
કોડભરેલી છાતીએ મીઠાં હેતનાં ગાણાં વાવ્ય!
જઈને પાદર, દોરડા વગર હેલ્યમાં કૂવો ભરતી ઠાલી
સીમનો મારગ ખાલી... સીમનો મારગ ખાલી...
સ્રોત
- પુસ્તક : ચાલ પલળીએ (પૃષ્ઠ ક્રમાંક 50)
- સર્જક : વિજય રાજ્યગુરુ
- પ્રકાશક : રવિ-મંગલ પ્રકાશન, ભાવનગર
- વર્ષ : 2000
